શનિવાર, 14 જૂન, 2014

આપણી હશે...

જેવી હોય એવી એ દોસ્ત,આપણી હશે;
ભીતર ભીતર એકલતાની છાવણી હશે.

અચાનક છેતરી જાય છે રમતા રમતા;
એવી  કેટલી ય જાણભેદુ લાગણી હશે.

અરમાનો દિલમાં જ ઢબૂરાઈ ગયા છે;
ન ઊગે એવા બીજની એ વાવણી હશે.

અરીસો ય નથી સાચવતો એની અંદર;
શું જાત મારી એને ય અળખામણી હશે?

બરાબર તપાસી જો જે તુ દોસ્ત,નિરાંતે;
મનગમતી વેદનાઓ બધી મા જણી હશે.

નજરથી સ્પર્શ્યો તો ય એ લજાય ગયા;
જાત એમની ય પહેલેથી લજામણી હશે.

ખૂલી હોય કે બંધ હોય મારી બે આંખો;
સપનામાં તો એમની જ પધરામણી હશે.

इश्कम् शरण् गच्छामि। એક સાચો મંત્ર;
ઇશ્કની તો ખુદા સાથે જ સરખામણી હશે.

ઇશ્ક નથી સમજતી આ દુનિયા નટવર;
શું દુનિયા આખી આટલી વામણી હશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું