શનિવાર, 14 જૂન, 2014

જાતને બાળી છે...

કહેવા જેવી કેટલી ય વાત મેં ટાળી છે;
અડધે રસ્તેથી મારી જાતને મેં વાળી છે.

મથ્યો છું જિંદગીભર પ્રવાહી થવા જેવો;
જેવું પાત્ર મળ્યું, જાતને એવી ઢાળી છે.

સામે પૂરે હરદમ ઝંપલાવ્યું છે તન્હાઈમાં;
ડૂબી જતા જાતને માંડ માંડ મેં ખાળી છે.

હર જખમ ધીમે ધીમે  થઈ જાય સાજા;
હતા જખમ જ્યાં,ત્વચાને ત્યાં પંપાળી છે.

જિંદગીનાં કેટલાં રંગ રૂપ અજાણ્યા રહ્યા;
કેવી રીતે કહું જિંદગી નજીકથી ભાળી છે?

ઓછાયા તિમિરના લાંબા થઈ રહ્યા સતત;
બીજાને રોશની આપવા જાતને બાળી છે.

લગાવીને કાજળ આવ્યા એઓ સપનાંમાં;
રાત એટલે હોય એના કરતા વધુ કાળી છે.

લખતા લખતા એમ નથી લખાતું નટવર;
લખવા કાજ લાગણી સો ગળણે ગાળી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું