શનિવાર, 14 જૂન, 2014

કોરો કાગળ...

મારે હવે ફરિયાદ એની કરવી કોની આગળ?
મારા પર નથી વરસતું એમની ઝુલ્ફોનું વાદળ;

માંડ માડ મળે છે એઓ સપનાંમાં મને કદીક;
અને ત્યાંથી પણ એમને જવાની રહે ઉતાવળ.

એમનાં રતમુડા ગાલો પર જોયું મેં અશ્રુબિંદુ;
યાદ આવ્યું મને  ત્યારે ગુલાબ પરનું ઝાકળ.

જ્યારથી વસાવ્યો છે એમણે એમની આંખોમાં;
છે પ્રિય તો પણ એઓ નથી લગાવતા કાજળ.

જીવતો છું હું એનું મારા દોસ્તોને ય આશ્ચર્ય છે;
બાકી  ગટગટાવ્યું છે મેં પણ વિરહનું હળાહળ.

પ્યાસા હરણા જેવી હાલત છે હાંફતા હૈયાની;
અને ઉપરથી દૂર થઈ રહ્યા છે ઝાંઝવાનાં જળ.

દવ ડુંગરે લાગ્યો હોય તો એ બુઝાવી ય શકાય;
અહીં તો દિલમાં મારા સળગે દારુણ દાવાનળ.

આજની ઘડી રળિયામણી,એમાં જ છે જીવવાનું;
વહી ગયેલ ઘડી જોતી નથી કદી પણ પાછળ.

એઓ શું વિચારે છે એ કેવી રીતે જાણે નટવર?
પરબીડિયામાં મોકલ્યો એમણે સાવ કોરો કાગળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું