શનિવાર, 14 જૂન, 2014

સલૂકાઈ...

રાખવી પડશે મારે ભારે સલૂકાઈ;
મેળવવી છે લાગણી પર સરસાઈ.

એકલવાયો છું લાખ લાખ લોકમાં;
ને સાથ છોડી ગઈ મારી પરછાંઇ!

ઇશ્ક કરશે તો જાણ થશે ઓ દોસ્ત;
પ્રેમમાં તો મળે છે હરદમ રુસવાઈ.

ચૂંથાઈ જાય તોય સુવાસ આપે એ;
ફૂલો પાસેથી શીખવી રહી ફકીરાઈ.

ડૂબી જવાય છે કાંઠે આવી ક્યારેક;
હોય છે કિનારે છેતરામણી ગહેરાઈ.

ખુદને છેતરવાનું આસાન નથી યાર;
જોઈશે એમાં ભાઈ તો ભારે ચતુરાઈ.

એ સાથ નથી હવે તો શું થઈ ગયું?
સાથ આપે છે એમણે આપેલ તન્હાઈ.

હારવાનું નક્કી હતું મારું દોસ્ત મારા;
સમયની સાથે જો હતી મારી હરીફાઈ.

નથી છંદ,અલંકાર કે ભારે વ્યાકરણ;
છે નટવરની નજમમાં નરી સચ્ચાઈ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું