શનિવાર, 14 જૂન, 2014

અલખ...

ઇશ્કમાં સીધો સાદો આદમી પણ થઈ જાય છે અલખ;
ને પછી જીવી જાય છે હસતા હસતા પી વિરહનું વખ.

ઇશ્કની અસર છે કે પછી મારી દીવાનગી, કોણ જાણે?
ભીગી ભીગી આંખો સાથે ઘાયલ દિલ કરી શકે હરખ.

લાખ કોશિશ કરો તોય કેટલાંક સંબંધ એવા રહી જાય;
જેમ વેગળા વેગળા રહે છે આંગળી સાથે જોડાયેલ નખ.

આયનામાં જોવાનુંય મેં લગભગ હવે તો છોડી દીધું છે;
આયનામાં જોતાંય ક્યાં થાય છે ખરેખરી આપણી પરખ?

કોણ કેવું? કોણ કોના જેવું છે એ સમજવું છે બહુ અઘરું;
જે સૌ કોઈ સામે મળે મને હોય એના ચહેરા પર વરખ.

મેં જ પાળી પોશી ઉછેરી કરી મોટી કોમળ લાગણીઓને;
એ જ મારી પ્રિય લાગણીઓ બનાવી રહી છે મને મૂરખ.

અહીંતહીં નટવરે કેટલુંય લખ્યું છે દોસ્ત એ તુંય જાણે છે;
તો ય એ જરાય ઠાલવી ન શક્યો શબ્દોમાં એની તલખ.*

(તલખ= ઝંખના, ઇંતેજારી, આતુરતા, તરશ; પ્યાસ; તૃષાતુરતા- સંદર્ભઃ ગુજરાતી લેક્સિકોન)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું