શનિવાર, 14 જૂન, 2014

લાગે...

પાંપણોને સપનાઓનું વજન લાગે;
ઉજાગરો ય હવે મને સ્વજન લાગે.

કોઈ હસીને પૂછે મને કેમ છો તમે?
એ અજાણ્યો ય મને પ્રિયજન લાગે.

દર્દ દિલે સાચવી સજાવી મહેફિલ;
આંસુઓમાં એમને મનોરંજન લાગે.

પંખીઓ કરે કલરવ સવારે સવારે;
પ્રભુ, એ તો મને તારું ભજન લાગે.

ડૂબીને હું મરી જઈશ કે તરી જઈશ;
એ ગાલમાં બહુ ઊંડા ખંજન લાગે.

આંસુમાં નથી ઓગળતું આસાનીથી;
બની શકે એ વોટરપ્રૂફ અંજન લાગે.

એમની ખબર નથી,કોઈ ખત નથી;
મને વીસરી જવાનું પ્રયોજન લાગે.

મયખાનાંથી છે ઘર બે જ કદમ દૂર;
એકાદ જામ પછી લાખો જોજન લાગે.

આયનામાં જોયું જ્યારે જ્યારે નટવરે;
આયનાને સાવ અજાણ્યો જન લાગે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું