શનિવાર, 5 એપ્રિલ, 2014

દૂરનું ભાળે છે...

આજનો માણસ બહુ દૂરનું ભાળે છે;
પગ તળે શું છે એ જોવાનું ટાળે છે.

વૃદ્ધ મા- બાપને ઘરડાંઘરમાં મૂકી;
એક - બે કૂતરાં ઘરમાં એ પાળે છે.

સમજી દિલને રમકડું રમે એ હરદમ;
બદલી નાંખે જ્યારે,એકથી કંટાળે છે.

વાયદા તો સાવ મફતના ભાવે આપે;
હોય ફાયદો તો જ વાયદો એ પાળે છે.

મહેફિલમાં વસતો રહે, હસતો ય રહે;
ને એકલતામાં આંખોને એ પલાળે છે.

બન્ને તરફથી કાંટ હોય કે હોય છાપ;
સિક્કો જીતનો જ હંમેશ એ ઉછાળે છે.

ફૂલોને ચૂંટી ચૂંથી નાખે છે સુવાસ માટે;
અને પછી નિરાંતે કાંટાને એ પંપાળે છે.

ખુદા ભગવાન પણ નથી બચી શક્યા;
ખુદાને ય ખુદના રૂપમાં જ એ ઢાળે છે.

છતી આંખે સાવ સહજ ધૃતરાષ્ટ્ર બની;
મુલાયમ કાળા અંધારને એ ઉકાળે છે.

સમજી વિચારીને તુ બોલજે હવે નટવર;
અહીં તો સૌ સો ગળણે વાતને ગાળે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું