શનિવાર, 26 એપ્રિલ, 2014

વાર લાગશે...


વાત દિલની છે એથી એ લખતા વાર લાગશે;
રાત કેવી રીતે વીતશે? સમજતા વાર લાગશે.

ઘરથી હું નીકળ્યો ત્યારે મયખાનું દૂર ન હતું;
મયખાનેથી ઘર તરફ જતા જતા વાર લાગશે.

એમને મન તો દિલ મારું એક રમકડું જ હતું;
તોડી નાંખ્યું,નવા દિલથી રમતા વાર લાગશે.

આયનાની નજર લાગી જશે આમને આમ તો;
એ ક્યાં જાણે?એને શૃંગાર સજતા વાર લાગશે.

સાવ લજામણી જેવાં છે એઓ,લજાઈ જાય તો;
બહુ ડરું છું હું, મને એમને અડતા વાર લાગશે.

આંસુની કિંમત જાણી છે, માણી છે, વખાણી છે;
એથી યાર,મને દિલ ખોલી હસતા વાર લાગશે.

ઇશ્કમાં ઉન્નતિ છે એની જરા ય ખબર નથી જેને;
એવા એ અન્જાનને પ્યારમાં પડતા વાર લાગશે.

કોઈ નથી, બસ, વહેતી હવા ટકોરો મારી રહી છે;
યુગોથી બંધ રહેલ  દ્વારને ઊઘડતા વાર લાગશે.

કોઈના પર મરી મરીને જ જીવી રહ્યો છે નટવર;
તો ય હજુ એને હતા ન હતા થતા વાર લાગશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું