શનિવાર, 26 એપ્રિલ, 2014

કાગળિયા...

થાક્યો હું તો લખી લખી કાગળિયા;
ક્યારે તું એ વાંચશે ઓ શામળિયા?

વાદળી છવાઈને ક્યાંક વરસી ગઈ;
સાવ કોરાં રહી ગયા મારા નળિયા.

એની આવવાની વકી છે આજે તો;
શણગારી દો ગામનાં હરેક ફળિયા.

એના વિરહમાં આંખો ભીની થઈ છે;
છે એટલે ગળ્યાં આજે ઝળઝળિયાં.

કુરબાન થઈ જાય છે એ જ ઇશ્કમાં;
જેઓ હોય છે નસીબનાં બહુ બળિયા.

વગર ગુનાએ પૂર્યો એમની યાદોમાં;
છે બહુ મજબૂત એની કેદના સળિયા.

સફર આ જિંદગીની એવી રહેવાની;
મંજિલ ન મળે, ઘસાય જાય તળિયા.

દિલ તો જુવાન જ રહી જાય નટવર;
ભલે ચહેરાને દિપાવે છે હવે પળિયાં.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું