શનિવાર, 26 એપ્રિલ, 2014

શ્વાસમાં...

વસવું હતું મારે એમના શ્વાસમાં;
આખરે વસાવ્યો મને નિઃશ્વાસમાં.

મહેકને માણતા પહેલાં ઓ દોસ્ત;
લઉં છું હું ફૂલોને પણ વિશ્વાસમાં.

સાવ કોરો રહી ગયો વરસાદમાં;
ભીનો થયો આંસુની ભીનાશમાં.

આયનો જોતા જ ખયાલ આવ્યો;
હર આદમી જીવે છે આભાસમાં.

ગણવાને ઓછા પડે છે તારાઓ;
કેટલાં ઓછા તારા છે આકાશમાં!

ઇશ્કથી ન કોઈ બચી શક્યું અહીં;
સૌ સપડાય છે એના મોહપાશમાં.

એઓ સાથ હોય તો એવું લાગે છે;
કહીં ખુદા ય છે મારી આસપાસમાં.

કોની અસર છે કોણ કહી શકે એ;
શબ્દ કેમ ગોઠવાય ગયા પ્રાસમાં?

લખી જેના માટે કવિતા નટવરે;
ઠેકડી ઊડાવી એમણે ઉપહાસમાં. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું