શનિવાર, 5 એપ્રિલ, 2014

ભુલાઈ ગયો..

હસતા રમતા  એમનાંથી હું ભુલાઈ ગયો;
વાંક મારો જ હશે,મારાથી હું રિસાઈ ગયો.

એમ તો એમણે જ મને બહુ સાચવ્યો હતો;
અને એમનાં હૈયામાં ક્યાંક હું મુકાઈ ગયો.

પથરાયો એમનાં ચરણકમલમાં પુષ્પ બની;
બનીને ગજરો કેશકલાપમાં હું ગૂંથાઈ ગયો.

સાવ કાચી સ્યાહી જેવું રહ્યું મારું અસ્તિત્વ;
એક ઝાપટું આવ્યું રુદનનું, હું ભૂંસાઈ ગયો.

લીલી છમ લાગણીઓથી મહેક મહેક હતો;
આવ્યો છપ્પનિયો વિરહનો, હું સુકાઈ ગયો.

પાડ્યા છે એમણે નજરથી છેદ મારા દેહમાં;
હોઠે લગાવ્યો બંસરીની જેમ, હું ફૂંકાઈ ગયો.

હકીકત એ છે કે કોઈ જ હકીકત નથી સાચી;
શોધો મને, એમની આંખોમાં હું છુપાઈ ગયો.

ભર્યું હતું એમણે જ નામ નટવરનું રૂમાલ પર;
એવા લૂંછ્યા આંસુઓ એમણે, હું ચૂંથાઈ ગયો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું