શનિવાર, 5 એપ્રિલ, 2014

જંજાળ...

કેવી રીતે મૂકું અહીં કોઈના પર આળ?
જ્યારે મારી ફરતે મેં જ ગૂંથી છે જાળ.

રોક્યા નથી રોકાતા હવે વહેતા આંસૂ;
પાંપણ છે આંખોને, નથી એ કોઈ પાળ.

સાવ પ્રવાહી હોય છે ભીની લાગણી;
વહી નીકળે, જે તરફ મળે એને ઢાળ.

આયનામાં જોવાનું વીસરી જશે સનમ;
એક વાર મારી આંખોમાં ખુદને ભાળ.

તેં આપેલ જખમો પણ મજા આપે છે;
હળવે હળવે હાથે એને કદીક પંપાળ.

એમ ક્યાં કહું કે હરદમ મને યાદ કરજે;
તારી તન્હાઈમાં સનમ, મને તું સંભાળ.

વહેતી હવાને, કોયલના ટહુકાને પૂછજે;
ક્યાં છું હું? મળી જશે તને મારી ભાળ.

દિવસ તો વીતી જાય છે તારી યાદમાં;
બસ કાળી ઘનઘોર રાત લાગે વિકરાળ.

કેટલી ય વાર એવું થયા રાખે નટવર;
દૂર ભાગી જાઉં કદી છોડી સહુ જંજાળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું