શનિવાર, 1 માર્ચ, 2014

આવ...

સર્વને એક દિ છોડી તું પણ મને મળવા આવ;
બંધ કરી અફીણી આંખો મારે ખભે ઢળવા આવ.

કહેવા જેવું અને ન કહેવા જેવું બધું કહ્યું તને;
હવે તુ મારા અસીમ મૌનને સાંભળવા આવ.

પ્રેમની અગન કેવી છે તને એ સમજાય જશે;
મારી સાથે આગ-એ-ઇશ્કમાં તું બળવા આવ.

સાથ સંગાથ થીજ્યા અહીં હવે બરફની માફક;
તારા માદક સ્પર્શથી એને તું ઓગળવા આવ.

ઝેર જુદાઈનું પીધું માણી માણી જાણી જાણી;
સાથ સાથ મારી તું ય અહીં ટળવળવા આવ.

દુનિયાભરની ખારાશ ઓગળી ગઈ છે એમાં;
ગળ્યાં આંસુ બની મારી આંખોથી ગળવા આવ.

મળી મને સમજાશે તને તારા હોવાનું કારણ;
છે ખુદમાં કેદ એમાંથી બહાર નીકળવા આવ.

આવે એક વાર તો કદી ય ન જવા દઈશ તને;
મારા રોમ રોમમાં, શ્વાસોશ્વાસમાં ભળવા આવ.

હર મુલાકાતનો અંજામ જુદાઈ હોય એવું નથી
;
એ સાબિત કરવા કદી ય ફરી ન વળવા આવ.

શબ્દના સહારે કેટલુંક જીવશે નટવર કોણ જાણે;
શબ્દના બંધ દ્વારે ટકોરો બની ખળખળવા આવ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું