શનિવાર, 1 માર્ચ, 2014

સંગીન છે...

વીંધી નાંખ્યો મને આરપાર, નજર એમની જાણે સંગીન છે;
થઈ ગયો એમનાંથી આ જુલમ, હવે એઓ ય ગમગીન છે.

પુરી દઈ દિલમાં એમને કરી છે સજા મેં પણ ઉમરકેદની;
કર્યો છે ગુન્હો એમણે, એ પણ ક્યાં કંઈ ઓછો સંગીન છે?

એમની નજરે મારી નજરને ન જાણે એવું તે શું કરી દીધું!
શ્વેત શ્યામ રંગો પણ હવે તો લાગે મને બહુ જ રંગીન છે.

સુવાસનો ય લાગે છે ભાર એમને તો ફૂલોનું તો શું થશે?
સાચવીને સ્પર્શવું પડશે હવે મારે, એઓ બહુ કમસિન છે.

સુંદરતા અંજાઈ ગઈ છે હવે એવી રીતે મારી બે આંખોમાં;
હર અજાણ્યો ચહેરો હવે મને લાગે એમના જેવો હસીન છે.

એમણે યાદ કરવો હોય મને,કરે ન કરે,રહી એમની મરજી;
હું તો છું જ એવો, મારું એમને યાદ કરવાનું નિશ દિન છે.

ઇશ્ક પ્રેમ પ્રીતિ પ્યાર મુહબ્બત ખુદાની કિંમતી નેમત છે;
ન મળી જેને એ દોલત, હોય તવંગર, પણ સાવ દીન છે.

ભલભલાં દરદ ઓગળી જાય છે વહી  નીકળેલ આંસુંમાં;
એથી શુદ્ધ પ્રવાહી એવા આપણાં આંસુ સહેજ નમકીન છે.

ચાલી નીકળ તુ ય યા હોમ કરી નટવર રાહ-એ-ઇશ્ક પર;
સમજતા સમજતા સમજાય જશે,અહીં કંઈ પણ મુમકિન છે.ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું