શનિવાર, 1 માર્ચ, 2014

રાહબર...

રાહબર હસતા રમતા  લૂંટી ગયા;
પરપોટા હતા લાગણીના ફૂટી ગયા.

ઘાયલ થવાનું અમારું તય હતું
તીર તીરછી નજરના વછૂટી ગયા.

મહેલ હતા સહુ કાચના સપનાંનાં;
આંખ ખૂલી ન ખૂલી ને તૂટી ગયા.

ફૂલોના દર્દને તો કોઈએ ન જાણ્યું;
સુંદરતા દેખી હર કોઈ ચૂંટી ગયા.

જેણે આપ્યો હતો પ્રેમનો પયમાનો;
પ્રેમામૃતમાં વિરહ વિષ ઘૂંટી ગયા.

ખાંડણિયામાં માથું મૂક્યું છે મેં પણ;
કૂટનારા દોસ્ત જ હતા, કૂટી ગયા.

ગાંઠ પર ગાંઠ બાંધવાનો અર્થ શો?
સગપણો જ્યારે સઘળા છૂટી ગયા.

ખામોશ રહી કહેવાનું કહી દે નટવર;
શબ્દ તો હતા ઘણા, હવે ખૂટી ગયા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું