શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

એક હમશકલ છે...

આયનામાં મારો જ એક હમશકલ છે;
પકડાતો નથી, એનાંમાં વધુ અકલ છે.

જિંદગી શું છે કોણ સમજ્યું એના વિશે?
જન્મથી મોત સુધીની એક દડમજલ છે.

એમની આંખોમાં ડૂબવાનું જ હતું મારે;
ગહેરાઈ બે આંખોની બહુ જ અતલ છે.

કાજળ લગાવી  છુપાવવાથી શું થશે?
તમારી આંખો મારી યાદમાં સજલ છે.

ફૂલો જોઈને યાદ આવે તમારો ચહેરો;
હરેક સુમનમાં તમારી જ તો નકલ છે.

દિલ પર હાથ મૂકી કરી લો ખાતરી તમે;
એમાં ય મારા દિલ જેવી જ હલચલ છે.

નથી લખતા આવડતી મને તો શું થયું?
સનમ મારી ખુદ એક જીવતી ગઝલ છે.

કવિતાઓ નટવરની નથી કંઈ બહુ ગહન;
સમજી જાઓ, જે કંઈ લખે બહુ સરલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું