શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

મને ખબર ક્યાં છે?

કેવી રીતે આપું તમને મારો પતો?   મને ખબર ક્યાં છે?
જઈને સૂઈ જઈશ નિરાંતે, કહો મને મારી કબર ક્યાં છે?

સમજતા સમજતા સમજાઈ જશે મારો ઇશ્ક એમને પણ;
પણ દોસ્ત મારા,  એમનામાં મારા જેટલી સબર ક્યાં છે?

એમની નજરે એવું શું કર્યું કે બધે મને એ જ નજર આવે;
ઉપરથી એઓ જણાવવા દેતા નથી એમની નજર ક્યાં છે?

સ્પર્શ એનો એ જ છે, તન મન પણ એના એ જ રહ્યા છે;
ને તો ય થતી પહેલાં જેવી રોમાંચક એવી અસર ક્યાં છે?

કહેતા રહ્યા મને એઓ હવે તમેય  પહેલાં જેવા નથી રહ્યા;
અને કદીય કહેતા નથી મને એઓ મારામાં કસર ક્યાં છે?

ટીલા ટપકાં કંકુ ચોખા અબીલ ગુલાલ પુષ્પ ને પત્ર નકામાં;
આવીને વસે પ્રભુ એમાં આજે એવા પવિત્ર પથ્થર ક્યાં છે?

ગીતા કુરાન બાઈબલ કે ગ્રંથ સાહિબ પઢી પંડિત ન થવાય;
કહેવાય ભલે એ સૌ પવિત્ર પણ એમાં પ્રભુના અક્ષર ક્યાં છે?

લાખો અબજો ખર્વો રૂપિયાના મંદિરો તાણી બાંધ્યા ઠેર ઠેર;
પણ યાર મારા સાચે સાચુ કહે તુ મને એમાં ઈશ્વર ક્યાં છે?

હમણાં તો યાર દોસ્તના દિલમાં જ વસવાનું છે નટવરે પણ;
દુનિયા ફરતી બંધ થાય ત્યારે શોધી લઈશ મારું ઘર ક્યાં છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું