શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

રહે છે...

ન જાણે કેમ હમેશ સહુને એની જ તપાસ રહે છે;
પડોશીના બાગમાં કેમ વધારે લીલું ઘાસ રહે છે?

મળીને મને એકવાર થયા દૂર એઓ એવી રીતે;
જાણે એઓ હર હંમેશ મારી જ આસપાસ રહે છે.

ન થાય દર્શન એમના રૂબરૂ કે સપનાંમાં ક્યારેક;
તરસી બે આંખોને જાણે નકરોડાં ઉપવાસ રહે છે.

મારી વાતમાં હાએ હા કરવાની જરૂર નથી સનમ;
વાતમાં રંગ આવશે જ્યાં થોડો વિરોધાભાસ રહે છે.

આશાનું, ઇચ્છાનું,મનીષાનું શું થશે એ કોણ જાણે?
જ્યાં સુધી હૈયે શ્વાસ રહે, થોડી થોડી આશ રહે છે.

કારણ તારણ મારણ સંભારણ ભારણની જરૂર ક્યાં?
મન છે, વગર કારણેય ક્યારેક ઉદાસ ઉદાસ રહે છે.

સાથ છોડી જાય છે જ્યારે ખુદનો પડછાયો છેહ દઈ;
ત્યારે દોસ્ત બહુ કપરો આ જિંદગીનો પ્રવાસ રહે છે.

એના દરવાજે  ન પૂછશો પતો તમે કદી નટવરનો;
એના ઘરમાં એને એના સ્વની સતત તલાશ રહે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું