શનિવાર, 25 જાન્યુઆરી, 2014

બતાવો...

સનમ, એકાદ વચન તો તમે પાળીને બતાવો;
તમને કોણ દેખાય છે? દિલમાં ભાળીને બતાવો.

તમે કહો, નીકળી જઈશ દિલમાંથી,દિમાગમાંથી;
તમારા વિચારોમાંથી મને કદી ખાળીને બતાવો.

તમારા જ ચરણો જાણ બહાર તમને દેશે દગો;
મારા ઘરથી દૂર જતા રાહે એને વાળીને બતાવો.

ગમતા ગમતા ગમીશ,રમતા રમતા રમી જઈશ;
એકાદ મધુરી  સાંજ મારી સાથે ગાળીને બતાવો.

થઈ જઈશ કુરબાન પાગલ પરવાનાની માફક હું;
એક વાર તમે શમાની જેમ ખુદને બાળીને બતાવો.

જિંદગીભર,ભવોભવ સાથ આપતો રહીશ આપને;
મારા ખભે આપનું શિર એકવાર ઢાળીને બતાવો.

એમ તો ખબર છે મને આપ ધારો એ કરી શકો
;
ફક્ત મારા વિના આપ ખુદને સંભાળીને બતાવો.

લખવાનું સાવ રમત વાત છે નટવર માટે સનમ;
બંધ કરી દઈશ,તમે એ માણવાનું ટાળીને બતાવો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું