શુક્રવાર, 6 ડિસેમ્બર, 2013

ખૂલી આંખના સમણા...

ભર ચોમાસે સુકાય ગયા ઝાંઝવાનાં ઝરણા;
તમે કહો, ક્યાં જાય બિચારાં તરસ્યા હરણા?

જેમ જેમ એમને વીસરવાનો પ્રયાસ કર્યો મેં;
તેમ તેમ મને એઓ યાદ આવે હવે બમણા.

સાથ છોડ્યો,ન રહ્યા સાથે,ન લઈ ગયા સાથે;
પગલે પગલે છે એ સાથે, થયા રાખે ભ્રમણા.

તમને જો જાણ હોય તો કહી દેજો મને દોસ્તો;
હું કોણ છું એ ય ભૂલી જાઉં છું હમણાં હમણાં.

ન તો મારી હતી કોઈ ક્ષતિ, ન તો કોઈ ભૂલ;
ઇશ્ક મારો સાચો, ન હતી કદી કોઈ જ મણા.

લજામણીને શીખવી છે એમણે ભાષા સ્પર્શની;
સ્પર્શ કરતાંય લાગે ડર ,છે એઓ બહુ નમણા.

બંધ નથી કરતો નટવર પણ આંખ આજકાલ;
કોણ જાણે બને હકીકત ખૂલી આંખના સમણા!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું