શનિવાર, 16 નવેમ્બર, 2013

બાહોંને ફેલાવને...

સમાઈ જશે આકાશ આખું એક વાર બાહોંને ફેલાવને;
મળવા મને ભલે તું આવે પરંતુ ખુદને સાથે લાવને.

ગમતા ગમતા ગમી જઈશ,રમતા રમતા રમી જઈશ;
એક વાર તો સનમ, તું પણ મને દિલથી અપનાવને.

બહુ કરી કોશિશ, ન સમજી શક્યો ન સમજાવી શક્યો;
છું હું કોણ તારો એ એક ઇશારામાં સૌને તું સમજાવને.

થઈ જઈશ ફના હું પરવાનાની માફક હસતા હસતા;
સુની સુની મારી મહેફિલમાં તું એક શમા પ્રગટાવને.

ફૂલોનો શો વાંક કે તેં વીંધી નાંખ્યા હાર- તોરા માટે;
મને તો તું તારી મખમલી બાહોંનો હાર જ પહેરાવને.

સમયની ગતિ ન્યારી ને સમયની છે બધી બલિહારી;
તું આવે ત્યારે ઝડપી વહેતા સમયની ગતિ અટકાવને.

સરનામું મારા ખંડિત દિલનું તારી આંખોમાં લખાયું છે;
એ સરનામાનાં સગડે સગડે એક વાર મળવા આવને.

દિલ તો છે જિદ્દી નટવરનું તારા નામે ધડકે હઠ કરીને;
રિસાય જશે બાળકની જેમ પ્રેમથી તુ એને ધમકાવને.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું