શનિવાર, 30 નવેમ્બર, 2013

કરો...

આવતા જતા રસ્તામાં એકાદ ટૂંકી મુલાકાત કરો;
ને દિલમાં શું શું થાય છે સખીને એ વિશે વાત કરો.

અંતની કલ્પના કરી કરી ડરી ડરીને જીવવાનું શું?
થવાનું એ તો થવાનું છે બસ તમે શરૂઆત કરો.

દિન વહી જશે રમતા ભમતા સૂરજને સથવારે;
તારાઓ ગણી ગણીને થોડી યાદગાર રાત કરો.

ચોપાટ માંડી છે જિંદગીની તમે ને પાસા તમારાં;
છે બાજી જીતની મારી ભલે તમે મને મહાત કરો.

ખુદા પણ ક્યાં માંગ્યા વગર કદી કંઈક આપે છે?
હર બંદગી ટાણે કંઈકને કંઈક રોજ રજૂઆત કરો.

યાર, જો જીવનકાળ હોય બહુ શ્વેત ને શ્યામ તો;
રંગીન બનાવવા એક પ્રેમ પ્રકરણ ફરજિયાત કરો.

ફૂલોએ ઘણાં જખમો આપ્યા છે નટવરને દોસ્તો;
કરવી જ હોય તો એના માટે કંટકોની બિછાત કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું