શનિવાર, 16 નવેમ્બર, 2013

કેવો થઈ ગયો છે આદમી?

સહુ કોઈને નાહક નમી નમી;
કેવો થઈ ગયો છે આદમી?

હસતો રહે છે એ મહેફિલમાં;
છુપાવે છે એ આંખોમાં નમી.

હુકમના પાના હોય ને હારે;
કેવી કેવી રમત એણે રમી?

એ એક સાંધે તો તૂટે છે તેર;
હશે કોઈક એનામાં ય કમી.

નથી નસીબમાં ટુકડો આકાશ;
નથી ભાગ્યમાં એક તસુ જમી.

ખુદને શોધી ન શક્યો એ કદી;
ને દુનિયા આખી આવ્યો ભમી.

એક સરખું જીવન જીવી જીવી;
કરી રહ્યો છે એ જિંદગી વસમી.

લખ કંઈક એવું નટવર તું ય;
શાયદ સહુ કોઈને જાય ગમી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું