શનિવાર, 24 ઑગસ્ટ, 2013

શું જાણે? ? ?

દર્દ-એ- દિલની વાત વિશે એઓ શું જાણે?
કેવી રીતે વીતે છે હર રાત એઓ શું જાણે?

જીતવું હતું એટલે જ તો રમ્યા હતા એઓ;
હાથે કરી થયો’તો મહાત એઓ શું જાણે?

કેદ કર્યો છે નજર મેળવી એ જ નજરમાં;
નજરની હવાલાત વિશે એઓ શું જાણે?

એમના ગુલાબી ગાલના ખંજનોમાં ડૂબ્યો;
મારે હતી ડૂબવાની ઘાત એઓ શું જાણે?

એમણે કરી દીધો જેનો અધ વચ્ચે જ અંત;
ત્યાંથી જ મેં કરી શરૂઆત એઓ શું જાણે?

બહુ સાચવી તો ય ન સાચવી શક્યો એને;
નીકળી લાગણીઓ કમજાત એઓ શું જાણે?

ઠાલા શબ્દો નથી નટવરની આ કવિતાઓ;
શબ્દોની ય હોય છે મિરાત એઓ શું જાણે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું