શનિવાર, 24 ઑગસ્ટ, 2013

જિંદગી એક ઉખાણું....

ન તુ એ વિશે કંઈ જાણે સનમ, ન હું કંઈ જાણું;
એકબીજાના સાથ વિના છે જિંદગી એક ઉખાણું.

મળ્યા તો આપણે એવા કેવાં મળ્યા જિંદગીમાં!
આવવા પહેલાં વીતી ગયું એક સુહાનું વહાણું.

માંગ માંગ તેં મને કહ્યું અને મેં માંગ્યું દિલ તારું;
ન હતી જાણ મને, મારા ભિક્ષાપાત્રમાં છે કાણું.

કેટલાંક સુંવાળા સંબંધો ય હોય છે સાવ નાજુક;
તો તું છોડ તારી મમત,હું ય ન વધારે એ તાણું.

ન હોય લાગણીના બજાર, ન હોય હેતના હાટ;
તો હવે શીદને કરવું છે સનમ તારે એનું હટાણું?

તારા સ્પર્શની આ તે કેવી છે કરામત કોણ જાણે?
મારી રગ રગમાં જાણે મુલાયમ રેશમ છે સંતાણું.

એકલતા સદી ગઈ છે લાખ લાખ લોકમાં રહીને;
હસતા હસતા રમતા રમતા એને ય હું તો માણું.

આમ જોઈએ તો આ આંસું પણ છે એક પાણી;
પણ સાવ અલગ હોય છે એના અણુ, પરમાણું

રહેવા દે નટવર વાત દિલની ઘાયલ દિલમાં;
હવે અહીં કોઈ જ નથી રહ્યું જે લે તારું ઉપરાણું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું