મંગળવાર, 9 જુલાઈ, 2013

અજાયબ ગોઠવણ છે....

અરે પ્રભુ! આ પણ કેવી તારી અજાયબ ગોઠવણ છે?
મળતો હર માનીતો શખ્સ લાગે મને અજાણ્યો જણ છે.

નથી વાંક મારી નજરનો, નથી દોષ મારી દ્ગષ્ટિમાં ય;
કેવી રીતે ઓળખું? હર ચહેરા પર કોઈક આવરણ છે.

રાતભર સપનાં વાવી ઉજાગરા લણ્યા છે જાગી જાગી;
સવારે સવારે રક્તિમ આંખોમાં એનું અનોખું ભારણ છે.

લાગણીઓ સાથે ખુદ સતત લડતા રહેવાનું હોય છે;
આપણું જીવન પણ યાર,એક ખતરનાક સમરાંગણ છે.

કેવી રીતે શ્વાસ લઉં હું તારા અજનબી શહેરમાં સનમ?
હવે ત્યાં પણ ક્યાં પહેલાં જેવું ખુશનુમા વાતાવરણ છે?

જળ ઝાંઝવાનાં ય ખૂટી ગયા પ્યાસ છિપાય એ પહેલાં;
પામર મન મારું જાણે યુગોથી પ્યાસું ઘાયલ હરણ છે.

જેના કાજ રોજ રોજ કંઈક લખતો આવ્યો છે આ નટવર;
એ જ મને હવે પૂછે છે આ લખવાનું શું કોઈક કારણ છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું