રવિવાર, 9 જૂન, 2013

રાખતો નથી...

દોસ્ત મારા,હું જમા કે ઉધાર રાખતો નથી;
કરે ખોટ કે નફો, એવું બજાર રાખતો નથી.

તું જો આવે ને પાછો વળે આંગણેથી મારા;
આવી જા દોસ્ત, હું બંધ દ્વાર રાખતો નથી.

વહેંચી દઉં આવતા જતા સૌને જે મળે મને;
સંઘરીને દિલમાં હું કદી પ્યાર રાખતો નથી.

કેટલાક મનગમતાં જખમ હોય ગમતીલાં;
એ દૂઝતાં જખમોની દરકાર રાખતો નથી.

ઘણા મિત્રો કરી ગયા છે પીઠ પાછળ ઘા;
જવા દો, હું એમના પર ખાર રાખતો નથી.

પામર મન મારું એને યાદ કરે છે હરદમ;
કેવી રીતે કહું એના વિચાર રાખતો નથી?

ન હોય એનો ઉલ્લેખ એવુંય થવાનું નથી;
એના વિનાના કોઈ અશઆર રાખતો નથી.

શબ્દની રમત છેક અમસ્તી નથી નટવર;
શબ્દ પર હું મારો અધિકાર રાખતો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું