રવિવાર, 9 જૂન, 2013

કેવી રીતે લખવું?

ભીનાં ભીનાં મૃગજળ વિશે કેવી રીતે લખવું?
વરસ્યું ન જે વાદળ વિશે કેવી રીતે લખવું?

ફક્ત એક વાર જોયું એની તુફાની આંખોમાં;
ડુબાડી ગયું જે વમળ વિશે કેવી રીતે લખવું?

કોઈ આપણને ચાહે ન ચાહે, કેમ જાણવું એ?
ખોટી પડે એ અટકળ વિશે કેવી રીતે લખવું?

આપ્યું’તું બે આંખોને સોહામણી બનાવવા જે;
ગાલે રેલાયેલ કાજળ વિશે કેવી રીતે લખવું?

કરતો હતો જેને યુગોથી હું ઇંતેજાર ઓ દોસ્ત;
ન આવી કદી એ પળ વિશે કેવી રીતે લખવું?

લખીને રાખ્યા છે એવા એવા કેટલાંય ખત મેં;
પોસ્ટ ન થયેલ કાગળ વિશે કેવી રીતે લખવું?

હસતા રમતા હું જાણી જોઈ જેનાથી છેતરાયો;
સ્નેહના એ સુંવાળા છળ વિશે કેવી રીતે લખવું?

લખતા લખતા તો આવડી જશે બધું લખવાનું;
આ દિલની આકળવિકળ વિશે કેવી રીતે લખવું?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું