ગુરુવાર, 9 મે, 2013

થઈ રહી છે...

શરૂઆત આજ કાલ એક ગલત થઈ રહી છે;

લાગણીની હવે સરેઆમ અછત થઈ રહી છે.



લીલીછમ લાગણીનું મહત્વ કોણ સમજશે?

જ્યારે દુનિયા આખી જડભરત થઈ રહી છે.



માંડ નવટાંક બચાવી રાખી મેં, જિંદગી તને;

કુબેરના ભંડારથીય મોટી બચત થઈ રહી છે.



હતી તાલાવેલી ઇશ્ક કરવાની ને થઈ ગયો;

સમજી ન શક્યો હું,મોટી ગફલત થઈ રહી છે.



હારવાનોય હરખ હોય ત્યાં જીતની ખુશી શું?

અરે વાહ દોસ્ત! આ કેવી રમત થઈ રહી છે?



કોણ કોને વધુ ચાહે ને કોણ થોડું ઓછું ચાહે?

વાત નાની ને મસ મોટી મમત થઈ રહી છે.



એક છોકરી મેળવી નજર,નજર ઝુકાવી ગઈ;

ચૌરે ને ચૌટે ચર્ચાતી એક વિગત થઈ રહી છે.



કોના પ્યારમાં પડશે એ?કોને પાડશે પ્યારમાં?

કોણ હારશે? કોણ જીતશે? શરત થઈ રહી છે.



સાચવજે નટવર, દિલ તું તારું જે છે શીશાનું;

એ તોડી નાંખવાની ક્યાંક ફિતરત થઈ રહી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું