શનિવાર, 9 માર્ચ, 2013

આંખો પણ વરસે છે.....

ધરતીની સાથે ધરા પર બીજું કોઈ પણ તરસે છે;
એટલે જ વાદળો સાથે મારી આંખો પણ વરસે છે.

એક દિવસ સનમ, આપણેય એમ જ મળી જઈશું;
કહે છે ધીરેથી ધરતીના ખંડો પણ નજીક ખસે છે.

કોઈ જ તસવીર નથી મારા ઘરની દિવાલો પર;
જે જે વ્હાલા છે મને એ તો મારા દિલમાં વસે છે.

એય એક વરવી વાસ્તવિકતા છે ઓ યાર મારા;
અહિં હર કોઈ બીજાના માટે જીવનભર શ્વસે છે.

પાણી પર પણ આગ લાગતા વાર નથી લાગતી;
ને લોકો પેટ્રોલના સરોવરે ચકમક લોહ ઘસે છે.

મગરૂર દરિયાને ક્યાં કદી નદીની કોઈ પડી છે?
નાદાન નદી મસ્તીથી દરિયાને મળવા ધસે છે.

ગુંગળાઈને મરી જઈશ હું તો એમ જ કદીક હવે;
ને સનમ, તું વારે વારે નજરોના દોર વધુ કસે છે.

ન પુછ સનમ,કેવી મીઠી મીઠી પીડા થાય છે મને;
ઝેરી નાગ તન્હાઈના ફૂંક મારી ધીમે ધીમે ડસે છે.

દોસ્ત કહે નટવર કહી દે તું રાઝ આજ મહેફિલમાં;
દિલમાં દરદ સાથેય તું કેવી રીતે સરસ હસે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું