શનિવાર, 9 માર્ચ, 2013

જોતજોતામાં

સનમ, આ શું થઈ ગયું જોતજોતામાં;
દિલ મારું ખોવાઈ ગયું જોતજોતામાં.

બે આંખો મારી રહી ગઈ સાવ ખૂલી;
સપનું એ જોવાઈ ગયું જોતજોતામાં.

આંસુ એક માંડ માંડ સંતાડ્યું હતું મેં;
ને અમસ્તું રોવાઈ ગયું જોતજોતામાં.

સાકી ભરી ગઈ હતી જામ નજરોથી;
મારાથી એ ઢોળાઈ ગયું જોતજોતામાં.

એક બેવફા પર ભરોસો કર્યો હતો મેં;
ને જીવન રોળાઈ ગયું જોતજોતામાં.

કોણે કર્યો કાંકરીચાળો મન સરોવરમાં?
મન મારું ડહોળાઈ ગયું જોતજોતામાં.

અખબારમાં કોઈ નવા સમાચાર નથી;
ને એ પણ ચોળાઈ ગયું જોતજોતામાં.

વાદળ વરસી ગયું કોકની અગાશીએ;
આકાશ મારું ધોવાઈ ગયું જોતજોતામાં;

બનાવી છે શબ્દોની એક માળા નટવરે;
એક મોતી પરોવાઈ ગયું જોતજોતામાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું