શનિવાર, 9 માર્ચ, 2013

ન કરું...

જો તમને વીસરી જવાય તો હું કદી યાદ ન કરું;
એ ય ખરું કે હું તમને ખુદમાંથી કદી બાદ ન કરું.

જો તમે આમ જ નીકળતા રહેશો છત્રી ઓઢીને;
જાઓ સનમ તમારા પર હું કદી વરસાદ ન કરું.

તમારા મૌનની ભાષા સાવ સરળ હોય છે સનમ;
તમારા મોઘમ ઇશારાઓનું કદી અનુવાદ ન કરું.

પ્રભુ તો સૂતો જ રહે છે એના આલીશાન મંદિરમાં;
મંદિરમાં જઈને વારંવાર હું કદી શંખનાદ ન કરું.

ઘરની દિવાલો વાતો કરે મારી સાથે એકલતામાં;
દીવાલોની વાત સાચી હોય,હું કદી વિવાદ ન કરું.

કોને મળ્યો અહીં ન્યાય પ્રેમનગરની અદાલતમાં?
ખેર મનાવો સનમ, હું તમારી કદી ફરિયાદ ન કરું.

ઝેરના પારખાં થાય, જુદાઈના કેવી રીતે કરવા?
જુદાઈમાં આવતા આંસુઓનો કદી સ્વાદ ન કરું.

પહેલેથી મને ખબર હોત કે પાયમાલી છે પ્રેમમાં;
પડીને પ્રેમમાં નટવર જાતને કદી બરબાદ ન કરું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું