શનિવાર, 9 માર્ચ, 2013

થઈ જાય છે...

ન ચાહીએ તો ય કોઈ સાથે ચાહત થઈ જાય છે;
ને પછી એને ચાહવાની એક આદત થઈ જાય છે.

દિલ આપવાની ને લેવાની વાત સાવ નાનકડી;
થતા થતા એ એક મસમોટી બાબત થઈ જાય છે.

પ્યાર ઇશ્ક મહોબ્બત સ્નેહ પ્રીત કેવી રીતે થાય?
એક વાર નજરથી નજર મળે કરામત થઈ જાય છે.

જાલિમ ન ઝુકાવ આમ નજર એક વાર ઊઠાવીને;
તુ શું જાણે સનમ,કેવી કેવી કયામત થઈ જાય છે?

ટેવ મને આવતા જતા સહુને હું સલામ કરતો રહું;
મારી હરકતથી લોકોને કેમ આફત થઈ જાય છે?

માણસ તો ભાઈ માણસ છે ને માણસ જ રહેવાનો;
અજાણતાં એનાથીય ક્યારેક શરાફત થઈ જાય છે.

નથી જતો હું મંદિરે,ન તો કદી કરું હું પૂજા અર્ચના;
રડતા બાળકને હસાવું, મારી ઇબાદત થઈ જાય છે.

ખળભળી ઊઠે મન નટવરનું દુનિયાની ભવાટવીમાં;
એકાદ કવિતા લખતા જ થોડી રાહત થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું