રવિવાર, 10 માર્ચ, 2013

શું કરવું?

જેમાં તું ન હોય એ રાજનું શું કરવું?
કાંટાળો હોય એવા તાજનું શું કરવું?

બહુ બોલ્યો, તારા સુધી ન પહોંચ્યો;
કહે હવે મારા એ અવાજનું શું કરવું?

દિલ જોડવાને બદલે ટાંકણેથી તોડે;
એ જાલિમ રસ્મ રિવાજનું શું કરવું?

સાત સમંદર તરીને છેક કિનારે ડૂબે;
મારે મારા એવા જહાજનું શું કરવું?

કાલ કેવી આવશે એ કોને ખબર છે?
જેવી છે એવી આ આજનું શું કરવું?

મેં બનાવેલ ને કદીય મારો ન થયો;
કહે દોસ્ત,મારે એ સમાજનું શું કરવું?

બહુ કરી બંદગી તો ન મળ્યો ખુદા;
એને કરેલ લાખો નમાજનું શું કરવું?

ફેલાવી પાંખો પહોંચવું છે દિલ સુધી;
શરૂ જ ન થઈ એ પરવાજનું શું કરવું?

દરદ હદથી વધી દવા બની જાય તો;
મનગમતાં દરદના ઇલાજનું શું કરવું?

બસ લખતો રહે નટવર જો કવિતા;
બાકી રહી જતા કામકાજનું શું કરવું?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું