રવિવાર, 10 માર્ચ, 2013

નથી...

દોસ્ત મારા,આ જિંદગી છે એક હકીકત એ કોઈ ખ્વાબ નથી;
ભેદભરમ છે પાને પાને,આ જિંદગીથી ગૂઢ કોઈ કિતાબ નથી.

ઇશ્ક મહોબ્બત પ્રેમ પ્યાર ચાહત-શું છે કોણે જાણ્યું એ વિશે;
છે એમ તો એક સાવ સહેલો સવાલ જેનો કોઈ જવાબ નથી.

છલક છલક છલકાવે એ આંખોથી ને કદમ લડખડાય મારા;
એના એ ખૂબસૂરત હુસનથી બહેતર બીજો કોઈ શરાબ નથી.

ન કર કોઈ કોશિશ જાલિમ તારા ચાંદસા ચહેરાને સંતાડવાની;
તારા સૌંદર્યને છુપાવે એવો આ બ્રહ્માંડમાં કોઈ હિજાબ નથી.

એ વણી વણીને ગણી ગણીને થાક્યો છે હવે હર એક આદમી;
કમબખ્ત આ લાગણીઓ છે જ એવી જેનો કોઈ હિસાબ નથી.

રોજબરોજ મળતો મારો જિગરી જોઈ મને સાવ મોં ફેરવી ગયો;
ઘરે જ્યારે આયનામાં જોયું, ચહેરા પર મારા કોઈ નકાબ નથી.

દિલથી દિલની વાત લખતો રહે નટવર સાવ સાદા શબ્દોમાં;
તમે કેમ તણાય ગયા? છે સૌ ઠાલા શબ્દો, કોઈ સૈલાબ નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું