શનિવાર, 5 જાન્યુઆરી, 2013

શબ્દોની એક સાંકળ...

વસી ગયો છું જ્યારથી એમની આંખોમાં લગાવતા નથી એઓ કાજળ;
વરસી રહ્યા છે આંસુંઓ ક્યાંક ધોધમાર, સંદેશ લઈ આવ્યું કોરું વાદળ.


મળ્યા તો મેં કહ્યું એમને લખી દો નામ એમનું મારા ઘાયલ દિલ પર;
દિલ તો મારું છે સનમ, સરનામાં વિનાનો સાવ કોર કોરો એક કાગળ.


કેટલો પ્રેમ કરે છે એઓ મને સમજી જજો દોસ્તો તમે આ વાત પરથી;
ઘૂંટ્યું મારું નામ એમણે સહસ્રવાર પત્રમાં,બસ નથી કંઈ લખ્યું આગળ.


પાવન પગલાં પડ્યાં એમના જ્યાં આ અવનિ પર ત્યાં પુષ્પો પાથરતો;
આંખો મીંચી ચાલતો રહીશ દોસ્ત, જિંદગીભર હું એમની પાછળ પાછળ.


એઓ નથી સાથે તોય જ્યાં જ્યાં નજર મારી પડે એઓ આવે નજર મને;
દોસ્ત, શું કહું તને? મને ય ગમવા લાગ્યું છે મનમોહક માયાવી આ છળ.


સૂરજ પણ કેટલો તડપ્યો હશે, તરસ્યો થયો હશે રાતભર ઉષાને મળવા;
વહેલી સવારે સવારે જ એ બચારો પી ગયો પુષ્પો પરથી બધું ઝાકળ.

દોસ્ત શું છે નટવરની આ સર્વ કવિતાઓ? એના અધૂરાં કવનો, કથનો?
સુંવાળી રેશમી લાગણીઓને પકડી રાખવાની છે શબ્દોની એક સાંકળ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું