શનિવાર, 26 જાન્યુઆરી, 2013

આવીશ નહીં...

હું સાવ સાચું કહું છું તું ખોટું લગાવીશ નહીં;
ફરી જવા માટે તું હવે કદી ય આવીશ નહીં.


દિલથી એક પ્રયત્ન કરી જો મને ભૂલવાનો;
હું જાણું છું સનમ,તું કદી એમાં ફાવીશ નહીં.

હસતા હસતા ભીની થઈ જશે આંખો તારી ;
પૂછશે કારણ સખીઓ તો ય બતાવીશ નહીં.


કહેવું જ હોય તો એક વાર હસીને કહી દે તું;
રૂબરૂ તો શું સપનાંમાં ય તને સતાવીશ નહીં.

વહી આંસુંમાં બનાવશે કદરૂપો ચહેરો તારો;
ભલે મેં આપ્યું,તું એ કાજળ લગાવીશ નહીં.


છોને ઊતારી મારી છબી દિલની દિવાલેથી;
ત્યાં તું કોઈ ત્રાહિતની છબી સજાવીશ નહીં.

મારી પંક્તિઓ વચ્ચે જગ્યામાં સંદેશ હોય;
કોઈને ય એ અંગત સંદેશ સમજાવીશ નહીં.


ઓગળીને વહી જઈશ ક્યાંક તો શું કરશે?
વિરહની આગમાં મને વધુ તપાવીશ નહીં.

આજે લખે,શાયદ કાલે ન લખી શકે નટવર;
તારા વિશે કોઈ અન્ય પાસે લખાવીશ નહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું