શનિવાર, 29 ડિસેમ્બર, 2012

હિસાબ માંગે છે...

આ જિંદગી જાલિમ છે, હર પળનો એ હિસાબ માંગે છે;
જુવાની છે,ખુલ્લી આંખોમાં એક હસીન ખ્વાબ માંગે છે.

સાવ ખોટી રકમ માંડીને બેઠો હતો હું પ્રેમની પાટી પર;
ભણીગણીને થાક્યો ને સનમ હવે સાચો જવાબ માંગે છે.

લૅપટોપ,આઈ પેડ,આઈ પૉડ ને ઇન્ટરનેટના કળિયુગમાં;
આજે ક્યાં કોઈ પેલી ભૂલી વીસરાયેલ કિતાબ માંગે છે?

નથી પુરી થવાની ઘનઘોર આકાશની એક અધૂરી ઇચ્છા;
અમાવાસ્યાની રાતે એ એક ઝળહળતો માહતાબ માંગે છે.

આશિકી અંગૂરની બેટી ય કેવા કેવા ખેલ ખેલાવે છે યાર!
આશિક એનો સવાર સાંજ નિશ દિન બસ શરાબ માંગે છે.

મારા ઘરનો આયનો મને ઓળખવાની ના પાડે છે હવે;
ઓળખવા પહેલાં એ મારા ચહેરા પરનો નકાબ માંગે છે.

મારો જિગરી કેટલો ભોળો છે શું કહું હું મિત્ર, એના વિશે?
મારી કતલ કરવા એ મારી પાસે જ અસબાબ માંગે છે.

નટવર તું કેવો છે? સમજાતી નથી કોઈને તારી મનીષા;
હર હાથિયા થોર પાસે તું કેમ મઘમઘતું ગુલાબ માંગે છે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું