શનિવાર, 29 ડિસેમ્બર, 2012

કોઈ વાત નથી...

તમે પૂછો ને હું ન કહી શકું એવી તો કોઈ વાત નથી;
બસ તમારા અને મારા વશમાં આપણા હાલાત નથી.

તમે વીસરી જાઓ મને અને જરૂર એ હક છે તમને;
બની શકે, હરદમ યાદ આવું એ મારી વિસાત નથી.

મળી નજર અને મ્હોં ફેરવી ગયા એઓ આસાનીથી;
દોસ્ત, મારી પ્રેમ કહાણીની આ સારી શરૂઆત નથી.

હશે એમનીય કોઈ મજબૂરી ને મારી થોડી નબળાઈ;
કાશ! કરે એમના દિલને એવી મારીય રજૂઆત નથી.

મિટાવી દઈશ નામ તમારું હું દિલની દિવાલો પરથી;
એક વાર હસીને કહી દો તમને મારી જરૂરિયાત નથી.

દિવસ તો થઈ જાય છે પસાર,આ રાત વીતતી નથી;
અને એ ય હકીકત છે, દિવસ કરતા લાંબી રાત નથી.

એક જ જિંદગી મળી છે જીવવા માટે મને ને તમને;
જી ભરીને ઇશ્ક કરો,આપણી જિંદગી કંઈ સાત નથી.

સીધા સાદા માણસો હોય છે આ પાગલ પ્રેમીઓ પણ;
દોસ્ત મારા દુનિયામાં એમની કોઈ અલગ જાત નથી.

લખતો રહ્યો છે નટવર આપની યાદમાં સનમ હરદમ;
તમે હરદમ વખાણતા જ રહો એ કંઈ ફરજિયાત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું