શનિવાર, 29 ડિસેમ્બર, 2012

કરતા રહ્યા...

જિંદગીભર અમો એમ જ બનાવટ કરતા રહ્યા;
ચહેરાને બદલે આયનાની સજાવટ કરતા રહ્યા.

મોજું આવી લઈ ગયું સાથે તમારું નામ સનમ;
રેતી પર તમારા નામની લખાવટ કરતા રહ્યા.

નીંદર આપીને ખરીદ્યા છે કેટલાંક અધૂરાં સપનાં;
રાતભર એ લેણદેણની અમે પતાવટ કરતા રહ્યા.

તમે વીસર્યા અમને એવા કે જાણે મળ્યા ન હોય;
અમે હર પળ તમારી યાદની રખાવટ કરતા રહ્યા.

હશે ચાલશે ફાવશે ભાવશે શીખવી રહ્યો છે સમય;
જે મળ્યું અમને એમની સાથે ય ફાવટ કરતા રહ્યા.

ક્યાં કદી જરૂર પડી છે નટવરને કોઈ મહેફિલની?
જ્યાં મળ્યા ચાર યાર,આપણે જમાવટ કરતા રહ્યા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું