શનિવાર, 29 ડિસેમ્બર, 2012

બદલો ...

ન જાણે કઈ વાતનો બદલો એમણે ગણી ગણી લીધો;
જીવતોને જીવતો એમણે એમના દિલમાં ચણી દીધો.

હજુ ય મારા પ્રેમની થોડી આડ અસર છે એમના પર;
વીસરાયેલ ગીતની માફક તન્હાઈમાં ગણગણી લીધો.

આસપાસ ઊડતો રહેતો હતો હું ય વહેતો વાયરો બની;
એમના ઉષ્માભર્યા શ્વાસોશ્વાસમાં એમણે મને વણી લીધો.

નજર મેળવી એક અદાથી ઝુકાવી નજર એમણે એવી;
ઇતિહાસ આખેઆખો પ્રેમનો એ પળમાં મેં ભણી લીધો.

રાતભર વાવ્યા રાખ્યા સપના સુહાના મેં સહવાસના;
સવારે સવારે કંકુવર્ણો ઉજાગરો આંખોમાં લણી લીધો.

ખુશ ન થા નટવર, તું એમના એ મોઘમ ઇશારા પર;
જતા જતા આખરી વેળાએ જે એમણે તારા ભણી કીધો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું