શનિવાર, 8 ડિસેમ્બર, 2012

હારવું પડે છે અહીં...

કદી કંઈક જીતવા કંઈક હારવું પડે છે અહીં;
કોણ વીસરી ગયું છે? સંભારવું પડે છે અહીં.

લખતા લખતા નથી લખાતું યાર એમ કંઈ;
શું લખવું ન લખવું એ વિચારવું પડે છે અહીં.

એક વાર લખી વારંવાર ભૂસ્યું છે દોસ્ત અમે;
વિધિના લેખને દોસ્ત, મઠારવું પડે છે અહીં.

અગન દિલમાં લગાવીને ચાલી ગયા છે કોઈ;
આંસુઓ સિંચી એ આગને ઠારવું પડે છે અહીં.

ધારણાઓ બધી સાચી નથી હોતી તો શું થયું?
એક તો પડશે સાચી એમ ધારવું પડે છે અહીં.

શ્વાસ લેવાને છોડવાથી જિવાતું નથી નટવર;
જીવવા કાજ ક્યારેક ખુદને મારવું પડે છે અહીં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું