શનિવાર, 29 ડિસેમ્બર, 2012

સતાવતું રહ્યું....

એક અવગણેલ સંસ્મરણ જિંદગીભર સતાવતું રહ્યું;
હતું અંગત એ એક જણ જિંદગીભર સતાવતું રહ્યું.

સહેજ મનોહર ઝલક બતલાવીને ક્યાંક નાસી ગયું;
વાસનાનું માયાવી હરણ જિંદગીભર સતાવતું રહ્યું.

કહેવાનું ન કહી શક્યો એટલે લખવી પડી કવિતાઓ;
મત્લાથી મક્તાનું અવતરણ જિંદગીભર સતાવતું રહ્યું.

ચહેરા પર ચહેરો લગાવીને ફરી રહ્યો હર શખ્સ અહીં;
એ એક અપારદર્શક આવરણ જિંદગીભર સતાવતું રહ્યું.

મારા હાથની વાત નો'તી કે બદલી શકું તમારા માટે;
આપણું કહેવાતું વાતાવરણ જિંદગીભર સતાવતું રહ્યું.

બેઠો હોઉં કદી હું ગોરજ સમયે ડૂબતા સૂરજની સાખે;
અચાનક આવી યાદોનું ધણ જિંદગીભર સતાવતું રહ્યું.

તમે મને વીસરી જશો તો હું ય ભૂલવાનો યત્ન કરીશ;
એમને આપેલ એક ખોટું પણ જિંદગીભર સતાવતું રહ્યું.

આ જીવવાનું ય કેવું જીવવાનું છે દોસ્ત શું કહું હું તને?
કાળ ઘડીએ ટપકી પડતું મરણ જિંદગીભર સતાવતું રહ્યું.

પરદેશ શું આવ્યો નટવર કે દેશની દિશા વીસરી ગયો;
આ સ્થાન જ નહીં,સ્થાનાંતરણ જિંદગીભર સતાવતું રહ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું