શનિવાર, 29 ડિસેમ્બર, 2012

નથી...

આ કારોબાર-એ-ઇશ્કમાં યારો કોઈ બરકત નથી;
અધૂરાં સપના સિવાય કોઈ બીજી મિલકત નથી.

લકીરો ઘણી ગૂંચવાઈ ગઈ છે આ કોરી હથેળીમાં;
હર પળ હસતો રહી શકું એવી મારી કિસ્મત નથી.

સહુની આંખોમાં સળવળતા રહે શંકાના સાપોલિયાં;
દોસ્ત શું કહું તને?હવે પહેલાં જેવી મોહબ્બત નથી.

સાચવીને દફનાવજો મારી સાથે મારી લાગણીઓને;
આ ફાની દુનિયામાં લાગણીઓની કોઈ કિમ્મત નથી.

થઈ ગયો હું બદનામ તને ઇશ્ક કરતા કરતા સનમ;
ઇશ્કમાં થાય એ જ મશહૂર જેની કોઈ ઇજ્જત નથી.

લખતો રહે છે નટવર રોજ નજમ છે એનું ય કારણ;
'તને પ્રેમ કરૂં છું હું' રૂબરૂ કહેવાની એની હિમ્મત નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું