શુક્રવાર, 9 નવેમ્બર, 2012

લાગણીનું નથી વ્યાકરણ...

અટકી ગયા મારા ચરણ;
બદલાય ગયું વાતાવરણ.

એ જ હું વીસરી ગયો છું
કર્યા રાખું છું કોનું સ્મરણ?

કિનારા જ તણાય ગયા;
ક્યાં જઈ અટકશે તરણ?

આશરો કોણ કોને આપે?
ક્યાં જઈને લેવું શરણ?

તરસ કેવી હશે એની ય?
મૃગજળને પી ગયું છે રણ.

નજર લાગી ગઈ કોઇની;
અવનિને લાગ્યું છે ગ્રહણ.

દિશાઓ બદલાઈ સર્વ;
નથી બદલાયું આચરણ.

આંખો અમસ્તી છલકાય;
રડવાનું નથી કોઈ કારણ.

નટવર ન કર ફિકર છંદની;
લાગણીનું નથી વ્યાકરણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું