શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

વધુ યાદ આવશે...

ભૂલવાની મને તું જો વધુ કોશિશ કરશે તો મારી વધુ યાદ આવશે;
સીવી રાખજે તું હોઠને હાસ્યથી નહીંતર હોઠો પર ફરિયાદ આવશે.

નીકળ્યો હતો ઘરેથી હું ય તરબતર થવા તારા જ પ્યારમાં સનમ;
ખબર નહતી મને કે તારી ગલીમાં આવતા જ આ વરસાદ આવશે.

જાગતો રહ્યો જિંદગીભર દીવાલે કાન માંડીને મારા ઘરમાં હું તો;
દીવાલો જો કરે વાતો તો તારા નામનો કોઈક તો સંવાદ આવશે.

મીઠો ઝઘડો કરીને ગઈ છે તું મારી સાથે કોણ કોને ચાહે વધારેનો;
કરાવવા આપણી સુલેહ,સપનાંઓ એકબીજાનાં બની લવાદ આવશે.

કરતો રહ્યો પૂજા જન્મોજન્મ નિશદિન હું બસ તારી તને નિહાળતો;
કદી તો વરસશે દયા તારી,મારા કરમાં ય તારો પ્રેમપ્રસાદ આવશે.

હર્ષના હોય કે દર્દના, ન કરીશ કોશિશ મારા આંસુઓને ચાખવાની;
રાખું છું અલિપ્ત એને લાગણીઓથી,એક સરખો ખારો સ્વાદ આવશે.

નીકળ્યો હતો સાવ એકલો વણવા હું મારા ઘાયલ દિલના ટુકડાઓ;
તી ખબર મારી પાછળ પાછળ મારા જેવા લાખો બરબાદ આવશે.

બેસે છે સજાવીને મહેફિલ નટવર પણ તારી રાહમાં આમ રોજબરોજ;
આશા છે નટવરની અમર, તારી કોઈક દી તો દાદ પર દાદ આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું