શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

છે...

દોસ્ત મારા, જાહેરમાં ભલેને એ મને નકારે છે;
ગનીમત છે,એ જ તો સપનાંમાં મને સત્કારે છે.

આ માણસ નામનું પ્રાણી ય બહુ વિચિત્ર છે યાર!
ખબર નથી પડવા દેતો કોઈને એ શું વિચારે છે?

નથી સંભળાતું એને એનું જ નામ ન જાણે કેમ?
જે નામ મારા ઘાયલ હ્રદયના હર ધબકારે છે.

કેવી રીતે પહોંચશે કાણી નાવ મારી જિંદગીની?
રિસાયો છે નાખુદા મઝધારે નાવ જેના સહારે છે.

આપણને તો હંમેશ ઓછું પડતું રહે છે જિંદગીભર;
બાકી ઝોળીમાં પ્રભુએ જે કંઈ આપ્યું એ વધારે છે.

હળવેથી ઉતારશો દોસ્તો અવલ મંજિલે તમે મને;
મારા અધૂરાં અરમાનોનો જનાજો ય બહુ ભારે છે.

બેશક ન આમ મૂંઝાયા કર મનોમન તું હવે દોસ્ત;
કહી દે મોઢામોઢ મને તું મારા વિશે શું શું ધારે છે.

જીતી જાય છે અહિં એ જ બાજી પ્યારની નટવર;
હરદમ હસતા હસતા હાથે કરીને જે દિલને હારે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું