શનિવાર, 14 જુલાઈ, 2012

ખબર ન હતી.....

દોસ્ત,દીવાલોને ય કાન હોય છે એ ખબર ન હતી;
પથ્થર ઈંટમાં ય  જાન હોય છે એ ખબર ન હતી.

મળે ત્યારે મ્હોં ફેરવી લે છે એઓ સાવ સહજતાથી;
મારા પર એમનું ધ્યાન હોય છે એ ખબર ન હતી.
...
એક વાર જોયા મેં એમને, ને વારંવાર જોવા માટે;
નજર મારી હંમેશ હેરાન હોય છે એ ખબર ન હતી.

દિલ તો આખિર દિલ છે, દિલનો શો ભરોસો કરવો;
મુઠ્ઠી જેવડા દિલમાં તોફાન હોય છે એ ખબર ન હતી.

દોસ્ત કરી ગઈ છે મને ઘાયલ એમની તીરછી નજર;
એમની નજરમાં તીર કમાન હોય છે એ ખબર ન હતી.

દિલ બે હોય અલગ,ભલે એ રહે સાત સમુંદર દૂર દૂર;
બે દિલોમાં ધડકન સમાન હોય છે એ ખબર ન હતી.

દોસ્ત બનીને દુશ્મનો મળ્યા રાખ્યા છે દરબદર મને;
એના હાથમાં મોતનો સામાન હોય છે એ ખબર ન હતી.

શબ્દ શણગારી રજૂ કરતો રહ્યો નટવર એમને હંમેશ;
હર શબ્દમાં એમની જ શાન હોય છે એ ખબર ન હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું