ગુરુવાર, 19 જુલાઈ, 2012

જરા હટકે છે....

મારી સનમની હર અદાઓ  સહુથી જરા હટકે છે;
એટલે જ હ્રદય મારું  હંમેશ એના નામે ધબકે છે.

હળવેથી એના કાનમાં કહી દીધું હું તને ચાહું છું;
નજર ઝુકાવી શરમથી એ કહે મને, તું શું બકે છે?

વાત વાતમાં એ રિસાય જાય અને હું મનાવું એને;
હોય જે સંબંધમાં મીઠી છેડછાડ એ જ વધુ ટકે છે.

મળી જાય બે યુવા હૈયા હસતા રમતા એકબીજાને;
ન જાણે કેમ એ આ બેરહેમ દુનિયાને બહુ ખટકે છે. 

કરવો હોય એટલો કર સિતમ તું મુજ પર હે ખુદા;
હું પણ એ જોઊં તો ખરો તું ક્યાં જઈને અટકે છે?

જતા જતા ઓઢાડી ગઈ કફન રંગબેરંગી ઓઢણીનું;
એને એક નજર જોવા આત્મા મારો દરબદર ભટકે છે.

પળે પળ છટકી જાય છે સમય છોડી ઘડિયાળને;
ભલે ઘડિયાળ સમજતું રહે સમય લોલકે લટકે છે.

ધરતી પર જ તારા પગ રાખજે નટવર તું પણ હવે;
    એ સહેલાઈથી મોંભેર પટકાય છે જે કદી બહુ છકે છે.   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું