શનિવાર, 14 જુલાઈ, 2012

છે જરૂર

સાવ કોરા વાદળ નહીં, વરસાદની છે જરૂર;
મૌન તો બહુ મેં સાંભળ્યું, સંવાદની છે જરૂર.

કોઈ ન બોલાવે તો ય પહોંચી જાઉં મદદે;
દોસ્ત મારા,મને ક્યાં કોઈ સાદની છે જરૂર?

 શાંતિના પારેવા છોડવાથી નથી થતું અમન;
મંદિરે નમાજ, મસ્જિદમાં શંખનાદની છે જરૂર.

દુનિયા આખેઆખી મને વીસરી જાય તો ભલે;
ક્યાંક કોઈને છાને છપને મારી યાદની છે જરૂર.

કોઈ સીધી વાત નથી કરતું મ્હોં પર આજકાલ;
સાવ સાચી વાત કહે એવા એકાદની છે જરૂર.

આપણો ઝઘડો કોણ કોને વધુ ચાહે એનો છે;
આપણે ક્યાં કોઈ વકીલ કે લવાદની છે જરૂર?

નટવર એ પણ જાણે છે આંસુઓ ખારા હોય છે;
વિરહના આંસુઓમાં કોઈ નવા સ્વાદની છે જરૂર.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું